
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વાડજમાં ઘરફોડ ચોરી કરનારને ઝડપી પાડ્યો
અમદાવાદ:
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે નવા વાડજના પુર પિડીતનગર ખાતે થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. પોલીસે ચોરીમાં સંડોવાયેલા આરોપી ભવનભાઈ છનાભાઈ અમરાભાઈ મકવાણા (ઉં.વ. ૫૭) ને માણેક ચોક ખાતેથી ઝડપી પાડ્યો છે. તેની પાસેથી ચોરી થયેલા ₹૨,૬૬,૭૦૦ ની કિંમતના સોના-ચાંદીના દાગીના પણ જપ્ત કરવામાં આવ્યા છે.આ ચોરી આજથી એક મહિના પહેલા બની હતી, જ્યારે સ્વાગત એપાર્ટમેન્ટની સામે આવેલા એક બંધ મકાનનું તાળું તોડી અજાણ્યા ચોરે સોના-ચાંદીના ઘરેણાંની ચોરી કરી હતી. આ મામલે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત માહિતી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી ભવનભાઈને પકડી પાડ્યો હતો. આરોપી પણ નવા વાડજના પુર પિડીતનગરનો જ રહેવાસી છે. પોલીસે તેની પાસેથી ચોરી કરેલો તમામ મુદ્દામાલ કબજે કર્યો છે, જેમાં સોનાની ચેઇન, જુદી જુદી બુટ્ટીઓ, વીંટીઓ, અને ચાંદીની પાયલો તથા માળાનો સમાવેશ થાય છે.
પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેને વધુ તપાસ માટે વાડજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આ સફળતા બદલ પોલીસ કમિશનર દ્વારા ક્રાઇમ બ્રાન્ચની ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.