અમદાવાદમાં દારૂબંધીના ધજાગરા: રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનની હદમાં ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ, વીડિયો વાયરલ
અમદાવાદ: ગુજરાતમાં કાયદાની દૃષ્ટિએ દારૂબંધી અમલમાં હોવા છતાં, વાસ્તવિકતા તેનાથી તદ્દન વિપરીત હોવાનું ફરી એકવાર સાબિત થયું છે. અમદાવાદમાં જાણે દારૂબંધી માત્ર કાગળ પર જ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે, કારણ કે દારૂ વેચનારા અને પીનારાઓ બન્ને બેફામ બન્યા છે.
તાજેતરમાં, અમદાવાદ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા જે.પી.ની ચાલી વિસ્તારમાંથી ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ થતું હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે, પોલીસની નાક નીચે જ બેરોકટોક રીતે દારૂનો વેપલો ચાલી રહ્યો છે.
સ્થાનિક સૂત્રો અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા મુજબ, આ દારૂના અડ્ડાઓ સ્થાનિક પોલીસકર્મીઓની જાણ બહાર ચાલતા નથી. સવાલ એ ઊભો થાય છે કે, શું આ અડ્ડાઓ સ્થાનિક પોલીસની નજરમાં આવતા નથી, અથવા તો સ્થાનિક પોલીસકર્મીઓ આંખ આડા કાન કરી રહ્યા છે?ડી.સી.પી.
ઝોન-૧ ક્યારે કરશે કાર્યવાહી?
વાયરલ થયેલો આ વીડિયો પોલીસ તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કરે છે. જો જાહેર સ્થળો પર આ રીતે ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોય, તો તે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી કથળી હશે તેનો અંદાજ લગાવી શકાય છે.
હવે જોવાનું એ રહે છે કે, અમદાવાદ ડીસીબી ઝોન-૧ના ઉચ્ચ અધિકારીઓ આ મામલાની ગંભીરતાથી નોંધ લઈને, રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા આ દેશી દારૂના અડ્ડાઓ પર ક્યારે લાલ આંખ કરે છે અને જવાબદાર તત્વો તેમજ આંખ આડા કાન કરનારા પોલીસકર્મીઓ વિરુદ્ધ કેવા કડક પગલાં લે છે. જ્યાં સુધી આ અડ્ડાઓ પર કડક કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર એક મજાક બનીને રહેશે.






