ACB ઓફિસ નજીક F ટ્રાફિક પોલીસની ‘દિવાળી ઉઘરાણી’નો વીડિયો વાયરલ
અમદાવાદ: ભ્રષ્ટાચાર વિરુદ્ધ એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, ત્યારે અમદાવાદના F ટ્રાફિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓની ખુલ્લેઆમ ‘ઉઘરાણી’ કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, આ કથિત વીડિયોમાં ટ્રાફિક પોલીસકર્મીઓ ડફનાળા નજીક આવેલી ACB કચેરીથી માત્ર ૧૦૦ મીટરના અંતરે જ વાહનચાલકો પાસેથી દંડના નામે તોડ કરતા નજરે પડે છે.
ACB કચેરીની નજીક જ ખુલ્લો ભ્રષ્ટાચાર!
ACB દ્વારા શહેરભરમાં લાંચ ન આપવા અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે મોટા જાગૃતિ બોર્ડ લગાવાયા છે, પરંતુ આ વાયરલ વીડિયોએ સવાલ ઉઠાવ્યો છે કે શું ટ્રાફિક પોલીસને ACBનો કોઈ ડર નથી? વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક મહિલા ASIની હાજરીમાં TRB (ટ્રાફિક બ્રિગેડ) જવાન વાહનચાલકનો મેમો બનાવે છે અને ત્યારબાદ મેમોના બહાને તેમની પાસેથી કથિત રીતે ₹૨૦૦ની રકમનો તોડ કરે છે. આ ઘટનાને લોકો “દિવાળી ઉઘરાણી” તરીકે પણ ગણાવી રહ્યા છે.
ઉચ્ચ અધિકારીઓ કાર્યવાહી કરશે?
ACBની કચેરી નજીક જ ટ્રાફિક પોલીસના ખુલ્લેઆમ તોડનો વીડિયો વાયરલ થતાં પોલીસ વિભાગની છબી પર ગંભીર સવાલો ઊભા થયા છે. હવે જોવાનું એ રહે છે કે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોના આધારે અમદાવાદ પોલીસ કમિશનર કે ટ્રાફિક વિભાગના ઉચ્ચ અધિકારીઓ ભ્રષ્ટ કર્મચારીઓ વિરુદ્ધ તાત્કાલિક અને કડક પગલાં લઈને ભ્રષ્ટાચાર નાબૂદીની દિશામાં મક્કમતા દર્શાવશે કે કેમ. આ કિસ્સો ટ્રાફિક પોલીસમાં વ્યાપેલા ભ્રષ્ટાચારના મૂળિયા કેટલા ઊંડા છે તેની ચાડી ખાય છે.






