અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસની ઝોન-૭ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ટીમે સરખેજ વિસ્તારમાં એક મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે પોલીસે કરોડો રૂપિયાની કિંમતનું પ્રતિબંધિત પદાર્થ એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઉલ્ટી)ના જથ્થા સાથે ૪ ઇસમોને ઝડપી પાડ્યા છે.
પોલીસ કમિશ્નર અને અધિક પોલીસ કમિશ્નર સેક્ટર-૧ના માર્ગદર્શન હેઠળ તથા નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૭, શ્રી શિવમ વર્મા સાહેબની સૂચનાથી, ઝોન-૦૭ LCBના પોલીસ ઇન્સ્પેકટર વાય.પી.જાડેજા અને તેમની ટીમે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.
ઓપરેશનની વિગત
ખાનગી બાતમીના આધારે LCB ટીમે સરખેજ મકરબા ટોરન્ટ પાવર રોડ પર આવેલા નવા ઓવર બ્રિજની બાજુમાં આવેલ સત્યદીપ હાઇટ્સ પાસેથી વોચ ગોઠવી હતી. આ દરમિયાન ચાર શખ્સોને ૮ કિલો ૭૦૪ ગ્રામ વજનના એમ્બરગ્રીસના નાના-મોટા ટુકડાઓ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.
કબજે કરેલો મુદ્દામાલ:
જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા ૮,૭૬,૮૫,૦૦૦/- (આઠ કરોડ સિત્તેર લાખ પંચાસી હજાર) આંકવામાં આવી છે, જેમાં નીચે મુજબનો સામાન સામેલ છે:એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઉલ્ટી): ૮ કિલો ૭૦૪ ગ્રામ. (આશરે કિંમત: રૂ. ૮,૭૦,૪૦,૦૦૦/-)મારૂતિ સ્વીફટ કાર (નં. GJ-01-WR-9817): કિંમત રૂ. ૬,૦૦,૦૦૦/-મોબાઇલ ફોન: ૬ નંગ. કિંમત રૂ. ૪૫,૦૦૦/-
પોલીસે આ ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને એમ્બરગ્રીસનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં વેચવાનો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.વધુમાં, એમ્બરગ્રીસ નો ઉપયોગ મોંઘા અત્તર અને કેટલીક દવાઓ બનાવવા માટે થતો હોવાથી તેની આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ ઊંચી કિંમત હોય છે. જોકે, સ્પર્મ વ્હેલ ભારતમાં વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ સંરક્ષિત પ્રજાતિ હોવાથી તેનું વેચાણ ગેરકાયદેસર છે.આ કાર્યવાહીમાં ઝોન-૭ LCBના પી.આઈ. વાય.પી. જાડેજા તથા સ્ટાફના હેડ.કોન્સ. નશરૂલ્લાખાન હબીબખાન, પો.કોન્સ. ખેમરાજદાન ભીમસંગ અને પો.કોન્સ. ઇરફાન કાસમભાઇ સહિતના કર્મચારીઓએ સફળતાપૂર્વક કામગીરી કરી હતી.






