જન્મદિવસની ઉજવણીમાં યુવકની છરી વડે હત્યા: અમદાવાદ LCB ઝોન-૨ અને રાણીપ પોલીસે ગણતરીની કલાકોમાં ચારેય આરોપીઓને વિજાપુરથી ઝડપી પાડ્યા
અમદાવાદ:
અમદાવાદ શહેરના રાણીપ વિસ્તારમાં થયેલી હત્યાની ગંભીર ઘટનાનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ઝોન-૨ અને રાણીપ પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમે ગણતરીની કલાકોમાં ઉકેલી કાઢ્યો છે અને હત્યા કરીને નાસી છૂટેલા ચારેય આરોપીઓની વિજાપુર ખાતેથી ધરપકડ કરી છે.
બનાવની વિગત:ગત તા. ૦૮/૧૦/૨૦૨૫ના રોજ રાત્રે આશરે ૧૧:૦૦ વાગ્યાની આસપાસ, રાણીપ પીન્ક સીટી અંધ કલ્યાણ કેન્દ્ર પાસે જાહેર રોડ પર નરેશ રાયમલભાઇ ઠાકોર (ઉ.વ.૨૭) પોતાના મિત્રો સાથે જન્મદિવસની ઉજવણી કરી રહ્યો હતો. આ દરમિયાન, અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને આરોપીઓ પ્રેમ ઉર્ફે હુડો સુંડાજી ઠાકોર અને તેના ત્રણ મિત્રો ત્યાં ધસી આવ્યા હતા.
પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે, મૃતક નરેશ ઠાકોર અને મુખ્ય આરોપી પ્રેમ ઠાકોરના મોટા ભાઈ પ્રકાશ ઠાકોર વચ્ચે મોટરસાયકલ ગીરવે મૂકવા અને વ્યાજ સહિતની રૂ. ૧૦,૦૦૦ની લેતીદેતી બાબતે અગાઉ બોલાચાલી થઈ હતી. પ્રેમ ઠાકોર તેના ભાઈનું ઉપરાણું લેતા નરેશ સાથે તેનો ઝઘડો થયો હતો.
હત્યાના દિવસે નરેશે આરોપી પ્રેમ ઠાકોરને ફોન કરીને અગાઉના ઝઘડા બાબતે બોલાચાલી કરી હતી. આ અદાવત રાખીને પ્રેમ ઉર્ફે હુડો તેના સાથીઓ રીતીક અશોકભાઇ ઠાકોર, રીતીક ઉર્ફે રીતલો નાથાભાઇ સાગરા અને સુમીત વિજયભાઇ રજક સાથે સ્થળ પર પહોંચી ગયો હતો. ત્યાં ઝઘડો થતા, મુખ્ય આરોપી પ્રેમ ઉર્ફે હુડાએ પોતાની પાસેના છરા વડે નરેશના છાતીના ભાગે જીવલેણ ઘા ઝીંક્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા નરેશનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, અને આરોપીઓ મોટરસાયકલ પર નાસી છૂટ્યા હતા.
પોલીસની તાત્કાલિક કાર્યવાહી:
હત્યાના ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ ભરતકુમાર રાઠોડ અને મદદનીશ પોલીસ કમિ. “એલ” ડિવિઝન શ્રી ડી.વી. રાણાના સીધા માર્ગદર્શન હેઠળ રાણીપ પી.આઈ. શ્રી કે. વાય. વ્યાસ અને એલ.સી.બી. ઝોન-૨ પી.એસ.આઈ. કે.ડી. પટેલની ટીમોએ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આધારે આરોપીઓ વિજાપુર ખાતે છુપાયા હોવાની બાતમી મળતા પોલીસે ત્યાં ધસી જઈ ચારેય આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા હતા
.પકડાયેલા આરોપીઓ પૈકી મુખ્ય આરોપી પ્રેમ ઉર્ફે હુડો ઠાકોર સહિત અન્ય આરોપીઓ અગાઉ પણ મારામારી અને અન્ય ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






