
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક કારમાંથી ૨૮ લાખથી વધુનું ચરસ ઝડપ્યુંઅમદાવાદ – અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વસ્ત્રાલ રિંગ રોડ પરથી રૂ. ૨૮.૩૫ લાખની કિંમતના ૧૮.૯૦૫ કિલો ચરસ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત લગભગ રૂ. ૧૮.૯૦ કરોડ થવા જાય છે.
પોલીસે આ મામલે એન.ડી.પી.એસ. (Narcotic Drugs and Psychotropic Substances) એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આજે વસ્ત્રાલ રિંગ રોડ ચાર રસ્તા પાસે, ભગવતી કાર સર્વિસની દુકાન સામે સર્વિસ રોડ પરથી ક્રાઈમ બ્રાન્ચે એક સફેદ રંગની કિયા સેલ્ટોસ કાર (નં. UP 78 HJ-8907) ને અટકાવી હતી. કારની તલાશી લેતા, તેમાંથી ગેરકાયદેસર ચરસનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર ચાલક વિવેક કુમાર કુશવાહ (ઉંમર ૨૯, રહે. કાનપુર, ઉત્તર પ્રદેશ) ની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી વિવેક કુમાર તેના મિત્રો વિમલ રાજપૂત અને અજય સાથે મળીને આ ચરસનો જથ્થો કાનપુરથી લાવ્યો હતો. તેણે આ ચરસ કારના બોનેટમાં છુપાવ્યું હતું. વિવેક કુમારના મિત્રો, વિમલ અને અજય, ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. વિમલના વોલેટમાંથી નેપાળી ચલણી નોટો મળી આવતા, પોલીસને શંકા છે કે આ ચરસ નેપાળથી લાવવામાં આવ્યું હોઈ શકે છે.પોલીસે આરોપી પાસેથી ચરસ ઉપરાંત અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂ. ૩૩.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ ચાલુ છે.