
એ.સી.બી.એ જી.આઈ.એસ.એફ ગાર્ડને ૧૫૦૦ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો
ગાંધીનગર: એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા ગાંધીનગર આર.ટી.ઓ. કચેરીમાં ફરજ બજાવતા જી.આઈ.એસ.એફ. ગાર્ડ અશોકભાઈ કચરાભાઈ સોલંકીને રૂપિયા ૧૫૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી અશોકભાઈ સોલંકી, જે ગામ બિલમણા, તાલુકો દહેગામ, જિલ્લો ગાંધીનગરનો રહેવાસી છે, તેની સામે ભ્રષ્ટાચારનો ગુનો નોંધવામાં આવ્યો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, એક જાગૃત નાગરિકને પોતાનું લાયસન્સ રીન્યુ કરાવવાનું હતું. આ માટે તેણે આર.ટી.ઓ. કચેરીમાં ફરજ બજાવતા અશોકભાઈ સોલંકીનો સંપર્ક કર્યો હતો.
લાયસન્સ રીન્યુ કરવા માટે આરોપીએ ફરિયાદી પાસેથી રૂપિયા ૧૫૦૦ની લાંચની માંગણી કરી હતી. જોકે, ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેણે એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો.એ.સી.બી.ની સૂચના મુજબ, આજે તા. ૦૪/૦૯/૨૦૨૫ ના રોજ આર.ટી.ઓ. કચેરી, ગાંધીનગર ખાતે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ છટકા દરમિયાન આરોપી અશોકભાઈ સોલંકીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચના નાણાં સ્વીકારી લીધા હતા. એ.સી.બી. ટીમે તુરંત જ આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી લાંચની રકમ રૂપિયા ૧૫૦૦ પણ રિકવર કરી હતી.આ સફળ ટ્રેપીંગ ઓપરેશન શ્રી એન.બી. સોલંકી, પોલીસ ઇન્સ્પેક્ટર, એ.સી.બી. સ્ટાફ, ફિલ્ડ-૨, ગુજરાત, અમદાવાદ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યવાહી શ્રી એન.એન.જાદવ, ઇ.ચા.મદદનીશ નિયામક, એ.સી.બી. ફિલ્ડ-૨, ગુજરાત, અમદાવાદના સુપર વિઝન હેઠળ કરવામાં આવી હતી.આરોપી અશોકભાઈ સોલંકી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ગુજરાત એ.સી.બી. ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે સતત સક્રિય છે અને જાગૃત નાગરિકોના સહકારથી આવા ગુનાઓને અટકાવવામાં સફળતા મેળવી રહી છે.