
ACB ની સફળ કાર્યવાહી: રેલવેના ડેપ્યુટી ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયાવલસાડ અને ડાંગ, તા. 28 ઑગસ્ટ, 2025 – એન્ટિ-કરપ્શન બ્યુરો (ACB) દ્વારા હાથ ધરવામાં આવેલી એક સફળ ડીકોય ઓપરેશનમાં, પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં ફરજ બજાવતા એક ડેપ્યુટી ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર (TCI) રૂ. 200ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. આરોપીનું નામ અનિલ ઓમકાર કૌશલ છે, જે રતલામ, મધ્ય પ્રદેશની ડિવિઝન રેલ મેનેજર કચેરીમાં ફરજ બજાવે છે.
ACB ને એક આધારભૂત માહિતી મળી હતી કે સુરતથી મુંબઈ તરફ જતી ટ્રેનોમાં મુસાફરો પાસેથી ટી.સી. દ્વારા ગેરકાયદેસર રીતે લાંચ લેવામાં આવે છે. મુસાફરો પાસે જે-તે કોચની ટિકિટ ન હોય તો તેમને મુસાફરી કરવા દેવાના બદલામાં રૂ. 200 થી રૂ. 500ની લાંચની માંગણી કરવામાં આવે છે. આ માહિતીની ખરાઈ કરવા માટે, વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે.ના પોલીસ ઇન્સ્પેક્ટર જે.આર. ગામીત દ્વારા એક ડીકોય ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું.આ ઓપરેશનમાં એક જાગૃત નાગરિકને ડીકોયર તરીકે સુરત રેલવે સ્ટેશનથી પશ્ચિમ એક્સપ્રેસના કોચ નં. એસ-2માં મોકલવામાં આવ્યા. મુસાફરી દરમિયાન, આરોપી અનિલ કૌશલ ડીકોયર પાસે આવ્યા અને તેમની ટિકિટ તપાસી. ડીકોયર પાસે જનરલ કોચની ટિકિટ હોવા છતાં, આરોપીએ તેમને સ્લીપર કોચમાં સીટ આપવા માટે ઓફર કરી. સ્લીપર કોચની સીટ આપવાના બદલામાં, આરોપીએ પોતાની કાયદેસરની ફરજ ન બજાવતા, આર્થિક ફાયદા માટે રૂ. 200ની લાંચની માંગણી કરી અને સ્વીકારી.
લાંચની રકમ સ્વીકારતા જ આરોપીને રંગે હાથ પકડી લેવામાં આવ્યો હતો. આ સમગ્ર ઓપરેશનનું સુપરવિઝન શ્રી આર.આર. ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સફળ ડીકોય ઓપરેશનથી રેલવેમાં ચાલતા ભ્રષ્ટાચારને અટકાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.