
અમદાવાદ: એલિસબ્રિજ પોલીસ સ્ટેશનના સ્નેચિંગ કેસનો ભેદ ઉકેલાયો, ત્રણ આરોપી ઝડપાયા
અમદાવાદની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ઝોન-7 એ ત્રણ મહિના પહેલાં એલિસબ્રિજ વિસ્તારમાં થયેલી ચીલઝડપ (સ્નેચિંગ)નો ભેદ ઉકેલી નાખ્યો છે અને ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલ વાહન પણ જપ્ત કરવામાં આવ્યું છે.
બનાવની વિગતો
ગત ૨૯ એપ્રિલ, ૨૦૨૫ના રોજ રાત્રે ૨:૧૫ વાગ્યે એક દંપતી મોટરસાયકલ પર એલિસબ્રિજ ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહ્યું હતું. તે સમયે એક એક્સિસ સ્કૂટર પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ પાછળથી આવીને મહિલાના હાથમાંથી પર્સની ચીલઝડપ કરી હતી અને આસ્ટોડિયા દરવાજા તરફ ભાગી ગયા હતા. આ પર્સમાં ₹૧૫,૦૦૦નો મોબાઈલ ફોન, ₹૨૧,૦૦૦ રોકડા અને અન્ય નાની-મોટી વસ્તુઓ મળીને કુલ ₹૩૬,૧૫૦નો મુદ્દામાલ હતો. આ અંગે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પોલીસની કાર્યવાહી
આ ગંભીર ગુનાનો ભેદ ઉકેલવા માટે અમદાવાદ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ LCB ઝોન-7ના ઇન્સ્પેક્ટર વાય.પી. જાડેજાને તપાસ સોંપવામાં આવી હતી. LCBની ટીમોએ ઘટનાસ્થળ અને આસપાસના સીસીટીવી ફૂટેજની ઊંડાણપૂર્વક તપાસ કરી. ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી તપાસનો દોર આગળ વધારવામાં આવ્યો.પોલીસને જાણવા મળ્યું કે ગુનામાં વપરાયેલ એક્સિસ સ્કૂટર એક મૃતક યુવતીનું હતું. જોકે, પોલીસે તેના મિત્રવર્તુળની માહિતી એકત્ર કરીને સઘન તપાસ ચાલુ રાખી. આશરે દોઢ મહિનાની સતત મહેનત પછી પોલીસને બાતમી મળી અને ત્રણેય આરોપીઓ સહિત કુલ ₹૮૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.
પકડાયેલા આરોપીઓ
દીપક મહેન્દ્રભાઈ દંતાણી (ઉ.વ. ૨૨), રહે. શાહપુર, અમદાવાદ
હેમંત ઉર્ફે ભભી સુરેશભાઈ દાતણીયા (ઉ.વ. ૨૦), રહે. શાહપુર, અમદાવાદ
અર્જુન ઉર્ફે સેટુ અમિતભાઈ દાતણીયા (ઉ.વ. ૧૯), રહે. શાહપુર, અમદાવાદ