દાણીલીમડા પોલીસે મહારાષ્ટ્રથી IT એક્ટના આરોપીને ઝડપી પાડ્યો
અમદાવાદ: દાણીલીમડા પોલીસે ઓનલાઈન ફ્રોડના એક મોટા કેસનો પર્દાફાશ કર્યો છે અને મહારાષ્ટ્રમાંથી એક આરોપીને ઝડપી પાડીને ₹5.91 લાખની છેતરપિંડીનો ભેદ ઉકેલ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં નવિનચંદ્ર કરસનદાસ ચૌહાણ (ઉ.વ. 65) દ્વારા એક ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં આરોપી હર્ષિત અશોક અગ્રવાલ (રહે. ભાયંદર, થાણે, મહારાષ્ટ્ર) એ વોટ્સએપ કોલ અને મેસેજ દ્વારા શેરબજારમાં સારા વળતરની લાલચ આપીને ફરિયાદી અને તેમની પત્નીના બેંક એકાઉન્ટમાંથી કુલ ₹6,23,230/- ટ્રાન્સફર કરાવી લીધા હતા.
આરોપીએ તેમાંથી ₹32,000/- પરત આપીને વિશ્વાસ કેળવ્યો હતો, પરંતુ બાકીના ₹5,91,230/- પરત ન આપીને વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી.આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એન. પટેલના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને મોબાઈલ લોકેશન ટ્રેક કરીને આરોપીનું ઠેકાણું શોધી કાઢ્યું હતું. પો.સબ.ઈન્સ. ડી.જે. સોલંકી, અ.હેડ.કોન્સ. બીપીનચંદ્ર ખુશાલદાસ અને પો.કો. કૃણાલભાઈ દિનેશભાઈની ટીમે મહારાષ્ટ્રના ભાયંદર (વેસ્ટ) ખાતે જઈને ઇક્વિટી હોટલમાંથી આરોપી હર્ષિત અશોક બાબુભાઈ અગ્રવાલ (ઉ.વ. 25) ને ઝડપી પાડ્યો હતો
.આરોપીએ ગુનાની કબૂલાત કરતા પોલીસે તેની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 316(2), 318(4) અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (એમેન્ડમેન્ટ) એક્ટ-2008ની સુધારા કલમ 66(સી) હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્રણ મહિનાથી વોન્ટેડ આ આરોપીને પકડી પાડવામાં દાણીલીમડા પોલીસની આ કામગીરી પ્રશંસનીય છે.







