મેઘાણીનગર ડબલ મર્ડરનો આરોપી નવ માસ બાદ ઝડપાયો
અમદાવાદ:
અમદાવાદની લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ઝોન-4 એ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ડબલ મર્ડર કેસના આરોપી દિપક નારાયણપ્રસાદ ગુપ્તાને નવ મહિના બાદ ઝડપી પાડ્યો છે. આરોપી પેરોલ જમ્પ કરીને ફરાર થયો હતો.પોલીસ કમિશ્નરશ્રીની સૂચના મુજબ, શહેરના નાસતા-ફરતા અને પેરોલ/ફર્લો જમ્પ કરનાર આરોપીઓને પકડવા માટે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી.
આ દરમિયાન, LCB ઝોન-4ના પો.સ.ઈ. વી.બી. સોલંકી અને તેમની ટીમને બાતમી મળી હતી.બાતમીના આધારે, પોલીસે મેઘાણીનગર ગુ.ર.નં. 11191033230558/2023 હેઠળ હત્યા, રાયોટિંગ અને અન્ય ગુનાઓનો આરોપી દિપક ગુપ્તાને તેના રહેઠાણ, બારોટની ચાલી, મેઘાણીનગર ખાતેથી પકડી પાડ્યો હતો. આ આરોપી અગાઉ પણ હત્યાના ગુનામાં સંડોવાયેલો છે.
પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેને મેઘાણીનગર પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ શરૂ કરી છે. આ કામગીરી માટે પોલીસ ટીમની પ્રશંસા કરવામાં આવી રહી છે.







