અમદાવાદના રિંગ રોડ પર પોલીસનો તોડકાંડ: મુંબઈના વેપારી પાસેથી 6 લાખ પડાવ્યા
અમદાવાદના રિંગ રોડ પર ‘તમે મોબાઈલમાં સટ્ટો રમો છો’ કહીને કેબીનમાં લઈ જઈને 20 લાખ માગ્યા
₹4.88 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા
અમદાવાદ: કાયદાના રક્ષકો જ ભક્ષક બન્યા હોય તેવો એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. શહેરના રિંગ રોડ પર ચાર પોલીસ કર્મચારીઓએ મુંબઈના એક રત્ન વેપારીને રોકીને ધમકી આપી લાખો રૂપિયાની ખંડણી ઉઘરાવી છે.મળતી માહિતી મુજબ, મુંબઈના વેપારી તેમના ભાઈ સાથે કારમાં રાજસ્થાનથી મુંબઈ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અમદાવાદના રિંગ રોડ પર ફરજ પર રહેલા ચાર પોલીસકર્મીઓએ તેમની કારને રોકી હતી.
પોલીસે વેપારી પર તેમના મોબાઈલમાં ક્રિકેટ સટ્ટો રમવાનો આરોપ લગાવ્યો હતો અને તેમને નજીકની એક કેબિનમાં લઈ ગયા હતા. ત્યાં, પોલીસકર્મીઓએ તેમને જેલમાં મોકલી દેવાની ધમકી આપીને રૂપિયા 20 લાખની માગણી કરી હતી.ધમકીઓથી ડરી ગયેલા વેપારીએ પોલીસને રૂપિયા 4.88 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા.
આ ઉપરાંત, બાકીના રૂપિયા પણ રોકડામાં પડાવવામાં આવ્યા હતા, જેથી કુલ પોણા છ લાખ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાને કારણે પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઉભા થયા છે. આ મામલે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.







