
અમદાવાદના વસ્ત્રાલમાં પરિવાર સાથે રહેતી પરિણીતાની તેના જ ઘરમાં જૂના પાડોશીએ હત્યા નીપજાવી હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. આરોપી યુવક પરિણીતાને મળવા માટે અને વાતચીત માટે દબાણ કરતો હતો, પરંતુ પરિણીતાએ મળવા આવવાનો ઈનકાર કરી દેતાં તે મંગળવારે છરી સાથે પરિણીતાના ઘરે આવ્યો હતો અને હુમલો કરી દીધો હતો. માતાને લોહીલુહાણ હાલતમાં જોઈ મૃતકની પુત્રીએ તેના પિતાને ફોન કરતાં પિતા દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી હતી, પરંતુ આરોપીએ છરીના ઘા ક્રૂરતાપૂર્વક માર્યા હોવાના કારણે પેટમાંથી આંતરડું બહાર આવી જતાં મોત નીપજ્યું હતું.
વસ્ત્રાલની હર ભોળેનાથ સોસાયટીમાં રહેતા ચંદ્રકાંતભાઈ 27 મેના રોજ તેમના કામધંધા ઉપર ગયા ત્યારે તેની પત્ની અંકિતાનો તેમના પર ફોન આવ્યો અને કહ્યું કે અશોક પટેલ તેને ફોન પર ફોન કરે છે અને મળવા માટે બોલાવે છે. તેણે મળવાની ના પાડી તો અશોક બાઈક લઈને તેના ઘરની આસપાસ આંટાફેરા મારે છે.
મને બહુ બીક લાગે છે કે તેની દુકાન ઉપર આવે છે એવું કહ્યું ત્યારે ચંદ્રકાંતભાઈએ કહ્યું કે તું ડરીશ નહીં, હું હમણાં ઘરે આવું છું, એમ કહીને ફોન મૂકી દીધો.ચંદ્રકાંતભાઈને તેના પાડોશીનો ફોન આવ્યો અને કહ્યું કે તમારા ઘરે અશોક તેની પત્નીને છરી મારીને જતો રહ્યો છે, જેથી તેઓ તાત્કાલિક ઘરે જવા નીકળ્યા. તેમની દીકરીનો પણ ફોન આવ્યો હતો કે પપ્પા, તમે જલદી ઘરે આવો, અશોક પટેલ આપણા ઘરે આવેલો અને મમ્મીને છરી મારી છે, તેથી ફટાફટ ઘરે આવ્યા ત્યારે તેમના ઘર આસપાસ બધા ભેગા થયેલા હતા. તેમણે ઘરમાં જઈને જોયું તો ઘરના બેઠક રૂમની બાજુમાં રૂમમાં તેમની પત્ની લોહીલુહાણ હાલતમાં પડેલી હતી. તેમની પત્નીના પેટના ભાગેથી આંતરડું બહાર આવી ગયું હતું અને ડાબા હાથની કલાઈ ઉપર તથા ઉપર નીચે મળીને કુલ છ છરીના ઘા વાગ્યા હતા અને લોહી નીકળતું હતું.