
બનાસકાંઠા LCB એ ૭.૮૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો, કાર ચાલક ફરાર
પાલનપુર: ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા હોવા છતાં, બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરીના પ્રયાસો અટકતા નથી. ત્યારે બનાસકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક મોટી સફળતા મેળવી છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા અને પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સંબેની સૂચના હેઠળ, એલ.સી.બી.એ બાતમીના આધારે પાલનપુર તાલુકાના ધનિયાણા ગામ પાસે નાકાબંધી કરી એક કિયા સોનેટ ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
મળતી માહિતી મુજબ, એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે તેમને બાતમી મળી હતી કે એક કિયા સોનેટ ગાડી (નંબર DL-14-CF-2670) માં વિદેશી દારૂનો જથ્થો હેરાફેરી કરવામાં આવી રહ્યો છે. પોલીસે ધનિયાણા ગામ પાસે વોચ ગોઠવી હતી. પોલીસને જોઈને ગાડીનો ચાલક અને તેની સાથે બેઠેલો ઈસમ ગાડી મૂકીને નાસી છૂટ્યા હતા.પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ ૮૬૩ બોટલ મળી આવી હતી, જેની કિંમત ૨,૦૯,૧૨૦/- રૂપિયા છે. આ દારૂ ઉપરાંત પોલીસે ૫,૦૦,૦૦૦/- રૂપિયાની કિયા સોનેટ ગાડી અને ૫,૦૦૦/- રૂપિયાનો એક એન્ડ્રોઈડ મોબાઈલ પણ જપ્ત કર્યો હતો.
આમ, પોલીસે કુલ ૭,૮૪,૧૨૦/- રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે.આરોપીઓ ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું ષડયંત્ર રચીને આર્થિક લાભ મેળવવા માંગતા હતા. પોલીસે આ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરીમાં એલ.સી.બી.ના પીઆઈ શ્રી એ.વી. દેસાઈ, પીએસઆઈ શ્રી એસ.જે. પરમાર અને અન્ય પોલીસ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા.