
ડીસા: બનાસકાંઠા LCB દ્વારા બનાવટી ચલણી નોટો બનાવવાનું રેકેટ પકડાયું, ₹39.33 લાખનો મુદ્દામાલ જપ્ત
ડીસા (બનાસકાંઠા): બનાસકાંઠા LCB (સ્થાનિક ગુના શોધક શાખા)એ ડીસા તાલુકાના મહાદેવીયા ગામમાં ચાલતા બનાવટી ચલણી નોટોના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડા પાડીને ₹27.47 લાખની કિંમતની ૫૦૦ના દરની બનાવટી ચલણી નોટો અને અન્ય જરૂરી સાધનો સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. જોકે, મુખ્ય સૂત્રધાર ફરાર છે.
પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. દેસાઇના માર્ગદર્શન હેઠળ, PSI એસ.જે. પરમાર અને ASI રાજેશકુમાર હરીભાઇને મળેલી બાતમીના આધારે, મહાદેવીયા ગામમાં રાયમલસિંગ બનેસિંગ દરબારના રહેણાંક મકાન પર રેડ કરવામાં આવી હતી. આ દરોડા દરમિયાન, સંજયકુમાર ભેમજીભાઇ સોની (રહે. ઝેરડા, તા. ડીસા) અને કૌશિકભાઈ પ્રવીણભાઈ શ્રીમાળી (રહે. ઝેરડા, તા. ડીસા) નામના બે ઇસમોને બનાવટી નોટો બનાવતા રંગેહાથ પકડવામાં આવ્યા હતા. આ બંને આરોપીઓ મકાન માલિક રાયમલસિંગના મેળાપીપણામાં આ ગુનો આચરતા હતા.
જપ્ત કરાયેલો મુદ્દામાલ:
પોલીસે ઘટનાસ્થળેથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:૫૦૦ના દરની ૫૪૯૪ નંગ બનાવટી નોટો, જેની કિંમત ₹27,47,000 છે.અનિયમિત આકારના કાગળોમાં ૫૦૦ના દરની ૨૧૯૦ નંગ બનાવટી નોટો, જેની કિંમત ₹10,95,000 છે.બાળકોની રમવા માટેની ૧૬૦૦ નંગ ‘ચિલ્ડ્રન બેંક ઓફ ઈન્ડિયા’ લખેલી નોટો.૫ કલર પ્રિન્ટર, ૮ રીમ ઝેરોક્ષ કાગળ, ૫ પેપર કટર અને અન્ય ઇલેક્ટ્રિક સાધનો.૬ કલર ઇન્ક, ૯ ઝરીવાળી બોલપેન, થેલો, એક્સટેન્શન કેબલ, સેલોટેપ, અને ફુટપટ્ટી.૪ નંગ અસલ ૫૦૦ની નોટો અને ૩ મોબાઈલ ફોન.આ સમગ્ર દરોડામાં કુલ ₹39,33,55૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ:
પકડાયેલા આરોપી સંજયકુમાર સોનીનો ગુનાહિત ઇતિહાસ છે, જેમાં મારામારી, લૂંટ, ધાડ અને આર્મ્સ એક્ટના ગુનાઓનો સમાવેશ થાય છે. મુખ્ય આરોપી રાયમલસિંગ દરબાર, જે દરોડા દરમિયાન ફરાર છે, તે અગાઉ ૧૬ જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો છે અને તેની પાસા હેઠળ પણ ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે FSL પાલનપુર અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના અધિકારીઓને સ્થળ પર બોલાવી નોટોની ચકાસણી કરાવી હતી, જેમાં તે બનાવટી હોવાનું જણાઈ આવ્યું છે. આ મામલે ડીસા રૂરલ પોલીસ સ્ટેશનમાં BNS એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ફરાર આરોપીને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે. આ સફળતા બદલ બનાસકાંઠા LCBની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.