
પુત્રવધૂના ત્રાસથી કંટાળીને સસરાનો આપઘાત
:બ્યુટીપાર્લરનું કામ છોડાવતા ઘરમાં ઝઘડો શરૂ કર્યો,
અમદાવાદ નારોલમાં પુત્રવધૂના ત્રાસથી કંટાળીને સસરાએ આપઘાત કર્યો છે. પુત્રવધુનું બ્યુટીપાર્લરનું કામ બંધ કરાવી દેતા તેણે ઘરમાં કકળાટ શરૂ કરી દીધો હતો. પુત્રવધૂએ એટલી હદે ત્રાસ આપ્યો કે તેનો દીયર અને દેરાણી ઘર છોડીને બીજે રહેવા માટે જતા રહ્યા હતાં, જ્યારે તેના પતિ ઉપર પણ હુમલો કરતી હતી. પુત્રવધૂએ પતિને નખ મારીને લોહીલુહાણ કરતા તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પુત્રવધૂએ ઘરમાં ગણેશ સ્થાપના કરવાનો પણ ઇન્કાર કરી દીધો હતો અને દેરાણીનું શ્રીમંત કરવાની પણ ના પાડી દીધી હતી. પુત્રવધૂએ એટલી હદે ત્રાસ આપ્યો કે, સસરાએ પહેલા સુસાઇડ નોટ લખી અને બાદમાં એસીડ પીને આપઘાત કરી લીધો હતો. આ મામલે નારોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.નારોલ વિસ્તારમાં આવેલા આર્યમાન હાઇટ્સમાં રહેતા જીગ્નેશ વાઘેલાએ નારોલ પોલીસ સ્ટેશનમાં પત્નિ મીનાક્ષી ઉર્ફે પીંકી વાઘેલા વિરૂદ્ધ આત્મહત્યાની દુષપ્રેરણાની ફરિયાદ કરી છે. જીગ્નેશ રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવે છે. જીગ્નેશ પત્નિ મીનાક્ષી, પિતા દશરથભાઇ, માતા લત્તાબેન, ભાઇ પ્રકાશ સાથે ખોખરાગામમાં રહેતો હતો. બે વર્ષ પહેલાજ તે સંયુક્ત પરિવાર સાથે આર્યમાન હાઇટ્સ ખાતે રહેવા આવ્યા છે. જીગ્નેશના પિતા દશરથભાઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરતા હતા. જીગ્નેશના લગ્ન કૃષ્ણનગર ખાતે રહેતી મીનાક્ષી સાથે વર્ષ 2009માં સામાજીક રીતરીવાજ મુજબ થયા હતા. જીગ્નેશ અને મીનાક્ષીને ત્રણ દીકરીઓ છે.