
ફ્લાવર શોની ટિકિટો ચોરાઈ ઓનલાઇન ટિકિટો વચ્ચે પ્રિન્ટ કરેલી ટિકિટો લઈને લોકો આવતાં ઘટસ્ફોટ
;અમદાવાદઅમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025માં બનાવેલી 6.50 લાખથી વધુ ટિકિટોમાં કેટલીક ચોરાઇ હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ઓનલાઇન ટિકિટ ખરીદીનું સર્વર ડાઉન થાય તો જ પ્રિન્ટ કરેલી ટિકિટોનો ઉપયોગ કરવાનો હતો, પરંતુ ગઇકાલે(9 જાન્યુઆરી) ઓનલાઇન સર્વર ડાઉન થયા વગર પ્રિન્ટ થયેલી ટિકિટો લઇને લોકો પહોંચતા મામલો સામે આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જે કંપનીને ટિકિટ પ્રિન્ટ કરવાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ત્યાંથી જ કોઇ કર્મચારીએ ટિકિટો ચોરી લીધી હોવાની શંકા ઉદ્ભવતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો.
મોટેરા વિસ્તારમાં આવેલા સંગાથ સોસાયટીમાં રહેતા દીપક પટેલે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ વિશ્વાસઘાત તેમજ બોગસ દસ્તાવેજો બનાવવાની ફરિયાદ કરી છે. દીપક પટેલ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ ખાતે છેલ્લાં પાંચ વર્ષથી જનરલ મેનેરજ તરીકે ફરજ બજાવે છે. દીપક પટેલની કામગીરી અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો-2025નું સુપરવિઝન અને સંકલન કરવાનું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફ્લાવર શોની ટિકિટ પ્રિન્ટિંગ કરવાનું કામ એક પ્રાઇવેટ એજન્સીને આપ્યું હતું.થલતેજ ખાતે આવેલી હેલીકોનિયા એપાર્ટમેન્ટમાં 18 ક્રિએશન નામની કંપનીને ફ્લાવર શોની ટિકિટ પ્રિન્ટ કરવાની કામગીરી સોંપાઇ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 6.50 લાખ ટિકિટો પ્રિન્ટ કરાવી હતી જેનો ઉપયોગ જરૂરિયાત પ્રમાણે કરવાનો હતો. 18 ક્રિએશન કંપનીએ ટિકિટો પ્રિન્ટ કરીને તેને સીલબંધ બોક્સમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આપી દીધી હતી.