
અમદાવાદ: એસ.જી. હાઇવે પર કારનો કાચ તોડી બેગની ચોરી કરનાર શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયો
અમદાવાદ:
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચે એસ.જી. હાઇવે નજીક પાર્ક કરેલી એક ફોર વ્હીલર ગાડીનો કાચ તોડી અંદરથી રોકડ અને મોબાઈલ ફોન ભરેલી બેગની ચોરી કરનાર એક શખ્સને ઝડપી પાડ્યો છે. તેની પાસેથી ચોરી થયેલા ₹૪,૦૦,૦૦૦ રોકડા પણ કબજે કરવામાં આવ્યા છે.
ગઈ તા. ૧૩/૦૮/૨૦૨૫ ના રોજ બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સિગ્નેચર કોમ્પ્લેક્સ પાસે એક સ્કોડા કારનો કાચ તોડી બેગની ચોરી થઈ હતી. આ બનાવ બાદ પોલીસે તત્કાળ કાર્યવાહી હાથ ધરી હતી અને ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સના આધારે આરોપીની ઓળખ કરી હતી.પોલીસે આરોપી તૃષબ ઉર્ફે રોમન સુજીતભાઈ નારજીભાઈ ઇંદ્રકર (ઉ.વ. ૨૬, રહે. સિંગલ ચાલી, છારાનગર, કુબેરનગર) ને ઝડપી પાડ્યો હતો.
આ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અગાઉ પણ ચોરી, જુગાર અને પ્રોહિબિશન સહિતના અનેક ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે.આરોપી પાસેથી ચોરી કરાયેલા ₹૪,૦૦,૦૦૦ રોકડા કબજે કરીને બોડકદેવ પોલીસ સ્ટેશનને કાયદેસરની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યો છે. આ ગુનાની વધુ તપાસ ચાલી રહી છે.